કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી
ભૂલવા સમું બધું ભૂલી જાઉં,
એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં.
મોગરે મઘમઘી જઈ પાછો,
ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં.
આમ તો તક અપાર મળી છે,
થાય કે વિહગ થૈ ઊડી જાઉં.
આયખું અમૃતભર્યું મળ્યું છે,
એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં.
બ્હાર નીકળવું છે, પૂછું તેથી
બિંબથી કઈ રીતે કૂદી જાઉં ?
તારી યાદ લઈ ઘૂમું કિશોર,
નામને હરપળે ચૂમી જાઉં.
Comments
Post a Comment