ભારે પડી છે – ‘રાજ’ લખતરવી
જરા જેટલી વાત ભારે પડી છે,
ફૂલોથી મુલાકાત ભારે પડી છે.
કદી બોજ લાગ્યો બીજાનો વધારે,
કદી આપણી જાત ભારે પડી છે.
ફકીરી હતી તો હતા સાવ હળવા,
અમોને અમીરાત ભારે પડી છે.
ન આંસુને પાંપણ ઉઠાવી શકે છે,
તમારી આ ખેરાત ભારે પડી છે.
ઉઠાવી શકતો નથી બોજ એનો,
તમારા વગર રાત ભારે પડી છે.
કદી વીજળીનેય ઝીલી છે રમતા,
કદી ફૂલ શી ઘાત ભારે પડી છે.
નથી કૈં પડી ‘રાજ’ નરસીંને કેવળ,
મને પણ સદા નાત ભારે પડી છે.
Comments
Post a Comment